વચનામૃત ગઢડા છેલ્લાનું - ૨૦

સંવત ૧૮૮૪ના શ્રાવણ વદિ અમાવસ્યાને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

  પછી દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! કાળ તો ભગવાનની શક્તિ છે અને કર્મ તો જીવે કર્યાં હોય તે છે, પણ સ્વભાવ તે વસ્તુગતે શું હશે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જીવે જે પૂર્વજન્મને વિષે કર્મ કર્યાં છે તે કર્મ પરિપક્વ અવસ્થાને પામીને જીવ ભેળાં એકરસ થઈ ગયાં છે, જેમ લોઢાને વિષે અગ્નિ પ્રવેશ થઈ જાય તેમ પરિપક્વપણાને પામીને જીવ સાથે મળી રહ્યાં એવાં જે કર્મ તેને જ સ્વભાવ કહીએ અને તેને જ વાસના તથા પ્રકૃતિ કહીએ. (૧)

  પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૨) હે મહારાજ ! જીવ સાથે એકરસપણાને પામી રહ્યાં એવાં જે કર્મ એને જ સ્વભાવ તથા વાસના કરીને કહો છો એ વાસનાને ટાળ્યાનો શો ઉપાય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એ વાસના ટાળ્યાનો ઉપાય તો આત્મનિષ્ઠાએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી એ જ ભાસે છે. અને જો આત્મનિષ્ઠા વિના એકલી જ શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ હોય તો જેમ ભગવાનમાં હેત કરે તેમ બીજા પદાર્થમાં પણ હેત થઈ જાય, માટે આત્મનિષ્ઠા સહિત ભક્તિ કરવી એ જ વાસના ટાળ્યાનો ઉપાય છે. અને આત્મનિષ્ઠાવાળાને પણ કોઈક ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને અજ્ઞાનીની પેઠે જ ક્ષોભ થઈ આવે પણ ઝાઝી વાર ટકે નહીં. (૨) ઇતિ વચનામૃતમ્‌ ।।૨૦।। (૨૫૪)

રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે પરિપક્વપણાને પામીને જીવ સાથે મળી રહ્યાં એવાં જે કર્મ તેને જ સ્વભાવ, વાસના ને પ્રકૃતિ કહી છે. (૧) અને બીજામાં આત્મનિષ્ઠાએ સહિત ભક્તિ કરવી એ વાસના ટાળ્યાનો ઉપાય કહ્યો છે. (૨) બાબતો છે.

         પ્ર બીજા પ્રશ્નમાં આત્મનિષ્ઠાવાળાને ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને ક્ષોભ એટલે મોહ થઈ આવે એમ કહ્યું અને

(પ્ર. ૬૧ના પહેલા પ્રશ્નમાં) આત્મનિષ્ઠાવાળાને ધીરજ ડગતી નથી એમ કહ્યું તે કેવી રીતે સમજવું ?

       (પ્ર. ૬૧માં) દૃઢ આત્મનિષ્ઠાવાળાની વાત કહી છે અને આમાં સામાન્ય આત્મનિષ્ઠાવાળાની વાત કહી છે. ।।૨૦।।